Thursday, 23 October 2014

૧૨ કરોડના ખર્ચે સ્‍થળોએ ૫૫૪ સીસીટીવી ગોઠવાયા

અમદાવાદ, તા.૨૩,હાલમાં ટ્રાફીક તેમજ ક્રાઈમની દ્રષ્ટિએ શહેરમાં જાહેર રસ્‍તાઓ તેમજ સ્‍થળો પર સીસીટીવીની ખૂબ જ જરૂરીયાત છે. વર્ષ ૨૦૦૮માં જાહેરમાં બ્‍લાસ્‍ટ થયા પછી મ્‍યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેઝ-૧માં ૫૫૪ સીસીટીવી લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેની પાછળ અંદાજે રૂ. ૧૨ કરોડનો ખર્ચો થયો છે. કોર્પોરેશન દ્વારા સીસીટીવી કેમેરા અને કંટ્રોલરૂમ તૈયાર કરવા માટે અંદાજે રૂ. ૨૦ કરોડના બજેટે ફાળવણી કરવામાં આવી હતી. ગત વર્ષે જાહેર રસ્‍તાઓ અને સ્‍થળોએ સીસીટીવી લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં કુલ ૫૮૯ સીસીટીવી લગાવવાના હતા પરંતુ ભદ્ર પ્‍લાઝા ડેવલપમેન્‍ટનું કામ સમયમર્યાદા પૂરૂં નહીં થતાં ત્‍યાં કેમેરા લગાવવાના બાકી છે. જ્‍યારે આ સિવાય નક્કી કરાયેલા જાહેર રસ્‍તાઓ તેમજ સ્‍થળો મળી કુલ ૫૫૪ સીસીટીવી કમેરા લગાવાયા છે જેમાં બીઆરટીએસ બસ સ્‍ટેન્‍ડો પર ૬૩, હોસ્‍પિટલોમાં ૨૨૦, વિવિધ ગાર્ડનોમાં ૭૯, કાંકરિયાના ત્રણ સ્‍થળોમાં ૬૫, વિવિધ બ્રિજ ૩૨, વિવિધ રેલ્‍વે સ્‍ટેશન ૨૨ અને એએમટીએસ વર્કશોપ ૨૩ તેમજ મિલત્તનગરમાં ત્રણ ઉપરાંત અલગ અલગ સ્‍થળોએ ૭૩ સીસીટીવી કેમેરાનો સમાવેશ થાય છે.
   મધ્‍ય ઝોનમાં આસિસ્‍ટન્‍ટ મ્‍યુનિસિપલ કમિશ્‍નર રમ્‍ય ભટ્ટે જણાવ્‍યું છે કે ફેઝ-૨માં બાકી રહેલા રસ્‍તાઓ તેમજ સ્‍થળોને આવરી લેવામાં આવશે. શહેરમાં જરૂરીયાત મુજબ કેમેરા લગાવી રહ્યા છે. તમામ સીસીટીવી માટે હાલ જુદા જુદા સાત કંટ્રોલરૂમ કાર્યરત છે જે શાહીબાગ પોલીસ કમિશ્‍નર ઓફીસમાં જોઈ શકાય છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT