Thursday, 23 October 2014

ભારતના હોકી કોચ ટેરી વોલ્શે આખરે રાજીનામું પાછું ખેંચ્યું

- વોલ્શને ટૂંક સમયમાં જ નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે


નવી દિલ્હી,તા.૨૨
ભારતને એશિયાડ હોકીમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનારા કોચ ટેરી વોલ્શે ભારતીય ટીમના કોચ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો હતો. જો કે ભારતીય ઓફિસિઅલ્સની સમજાવટ બાદ આખરે તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું છે. વોલ્શ ભારતની હોકી ટીમના કોચ તરીક યથાવત્ રહેતા ખેલાડીઓમાં ખુશીનો માહૌલ જોવા મળ્યો હતો.
વોલ્શને ભારતની હોકી ટીમના કોચ તરીકે ચાલુ રાખવાના પ્રયાસરુપે રમત મંત્રાલય અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ઓફિસિલ્સ વચ્ચે મિટિંગોનો દૌર ચાલ્યો હતો. લાંબી ચર્ચા-વિચારણા બાદ આખરે વોલ્શે ભારતની ટીમના કોચ તરીકે રાજીનામું આપવાનો વિચાર માંડી વાળ્યો હતો.
ભારતના રમત મંત્રી એસ.સોનોવાલે ટ્વીટર પર જાહેરાત કરી કે, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રયાસોને કારણે ટેરી વોલ્શ ભારતની હોકી ટીમના કોચ તરીકે ચાલુ રહેવા તૈયાર થઇ ગયા છે. ભારતીય હોકીના પ્રતિભાશાળી ભવિષ્ય તરફ અમે મીટ માંડી રહ્યા છીએ.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ આ મામલે પ્રેસ રિલિઝ જાહેર કરતાં કહ્યુ છે કે,અમારી અને ટેરી વોલ્શ વચ્ચે નાણાંકીય વિવાદ નથી. અમારી બેઠક દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તેમની સમસ્યા નાણાં સંદર્ભેની નથી. હકીકતમાં તેઓ ટેકનિકલ બાબતોમાં વધુ સ્વતંત્રતાથી નિર્ણય લેવા ઇચ્છી રહ્યા છે.
તેઓ નિર્ણય પ્રક્રિયામાં વધુ સ્વતંત્રતા ઇચ્છે છે અને આ  મામલે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને કોઇ વાંધો નથી. આ મામલે તેઓએ હોકી ઇન્ડિયા સાથે વધુ વાતચીત કરવાની જરુર છે.
ભારતના રમત મંત્રી સોનોવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જીજી થોમસે કહ્યું કે, અમે વોલ્શની તમામ સમસ્યા દૂર કરી દીધી છે.
તેઓને તેમની રજાના મામલે પણ કેટલીક ગુંચવણ હતી અને તેઓએ આ અંગે પણ સ્પષ્ટતા કરી દીધી છે. હોકી માટે લાંબા સમય માટે ખેલાડીઓને તૈયાર કરવાના પ્રોગ્રામમાં પણ તેઓ સાથ આપવા માટે તૈયાર છે.
ગઇકાલે ભારતને મેન્સ હોકીમાં એશિયાડનો ગોલ્ડ મેડલ અને તેની સાથે ૨૦૧૬માં રમાનારા ઓલિમ્પિકમાં પ્રવેશ અપાવનારા કોચ ટેરી વોલ્શે અચાનક જ રાજીનામું ધરી દેતાવિવાદ સર્જાયો હતો. ૬૦ વર્ષના ઓસ્ટ્રેલિયાના ઓલિમ્પિયન ટેરી વોલ્શ તેમના પગાર અંગેના વિવાદથી પરેશાન હતા અને તેઓએ રાજીનામું આપવાની સાથે ભારતીય સ્પોર્ટસનું સંચાલન કરતાં અધિકારીઓની ઉગ્ર ઝાટકણી કાઢી હતી.

0 comments:

Post a Comment

GIVE A COMMENT