Wednesday, 22 October 2014

વેળાવદર ઉદ્યાનમાં છેલ્લા બે દાયકામાં સૌથી ઓછા ફ્લોરિકન આ વર્ષે આવ્યા


- મોડા ચોમાસાના કારણે લુપ્ત થતી પ્રજાતિના પંખીઓના આગમનમાં ઘટાડો


- સ્થાનિક ભાષામાં ખડમોર, ટીલોર તરીકે ઓળખાતા આ પંખીઓ ઈ.સ. ૨૦૦૬માં સૌથી ઓછા ૩૦ અને વર્ષ ૨૦૦૮માં સૌથી વધુ ૬૬ આવ્યા હતા

ભાવનગર, બુધવાર
ભાવનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર મૃગ માટે તો વિખ્યાત છે જ પરંતુ સાથે સાથે અન્ય કેટલીક બાબતોમાં પણ વિશિષ્ટતા ધરાવે છે. એમાંની એક વિશિષ્ટતા એટલે લેસ્સર ફ્લોરિકન પંખીઓ.
લેસ્સર ફ્લોરિકન લુપ્ત થતી પ્રજાતિનું સામાન્ય રીતે બસ્ટાર્ડ તરીકે જાણીતું પક્ષી છે. વર્ષાઋતુમાં અસ્થાયી સ્થાનિય યાયાવર પક્ષી સ્થાનિક લોકોમાં ખડમોર, ટીલોર, ટૂર કૂકડી તરીકે જાણીતા છે. પશ્ચિમ ભારતમાંથી સ્થળાંતર કરીને દક્ષિણ પશ્ચિમના ચોમાસા દરમિયાન તેઓ અનુકૂળ ઘાસના મેદાનોમાં ઉડી આવે છે. વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક અને આજુબાજુના ઈકો ઝોનમાં ચોમાસા દરમિયાન આ પંખીઓ નિવાસ કરે છે.

વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં છેલ્લા બે દાયકાના સમયખંડ દરમિયાન આવેલા આ પંખીઓના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો ૩૦થી લઈને ૬૬ની વચ્ચે આ પંખીઓની સંખ્યા નોંધાતી રહી છે. છેલ્લા ૨૦ વર્ષમાં ઈ.સ. ૨૦૦૬માં આ પંખીની સૌથી ઓછી સંખ્યા ૩૦ નોંધાઈ હતી. જ્યારે ઈ.સ. ૨૦૦૮માં આ પંખીઓની સંખ્યા છેક ૬૬ પર પહોંચી હતી. પરંતુ આ વખતે વરસાદના આગમનમાં ખાસ્સો વિલંબ થયો હતો. અને બહુ મોડા ચોમાસાના કારણે આ વર્ષે છેલ્લા બે દશકાના ઈતિહાસમાં સૌથી ઓછા એટલે કે માત્ર ૨૭ લેસ્સર ફ્લોરિકન જ વેળાવદરની મહેમાનગતિ માણવા આવ્યા હતા. અલબત્ત, ફ્લોરિકન તો વિદાય થઈ ગયા છે. પરંતુ શિયાળાના પ્રારંભ થવા સાથે છેક પૂર્વ યુરોપથી સપ્ટેમ્બરથી માર્ચ મહિના દરમિયાન વિશાળ સંખ્યામાં ઉડી આવતા હેરિયર પંખીઓનું વેળાવદરમાં ઓલરેડી આગમન થઈ ગયું છે. વર્ષાઋતુ મોડી શરૃ થવા છતાં પાછોતરા સારા વરસાદના કારણે પાક પાણીની સ્થિતિ સારી હોઈ અત્યાર સુધીમાં જ હેરિયર પંખીઓની સંખ્યા એક હજારથી વધી ગઈ છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT