Thursday, 23 October 2014

'જો બકા'ને ઉભું કરનાર આઈટી ફિલ્ડના પાંચ યંગસ્ટર્સ ગુજરાતી છે




ગુજરાતમાં ટ્રાફિક પોલીસથી માંડીને સરકારી અને ખાનગી કચેરીઓમાં સારો મેસેજ પહોંચાડવા 'જો બકા'નો ઉપયોગ વધ્યોે
અમદાવાદ, બુધવાર
ઈન્ટરનેટ પર ફેસબુક, વોટ્સએપ અને ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી જો બકાએ લોકોનું જોરદાર અને સફળ રીતે ધ્યાન ખેંચ્યું છે. 'જો બકા...તકલીફ તો રહેવાની' સાથે શરુ થયેલ આ અનોખા નુસ્ખાએ આજે સૌકોઈ ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. 'બકો' એ સામાન્ય રીતે દરેક ગુજરાતી વ્યક્તિને લાગુ પડતો શબ્દ છે અને તેનો ઉપયોગ મોટા ભાગે અમદાવાદીઓ સૌથી વધારે કરે છે.


આ જ 'બકા' શબ્દનો લોકોના મૂડ અને પ્રસંગ પ્રમાણે ઉપયોગ કરી અને એક લાઈનના વાક્ય બનાવી પીળાં કાર્ટુન સાથે એક મેમે(એક એવી તસ્વીર કે જેમાં એક આઈડિયા, હાવભાવ કે સ્ટાઈલને કલ્ચર પ્રમાણે લોકો વચ્ચે ફેલાવવામાં આવે છે) તૈયાર કરી સોશિયલ મીડિયા પર ફરતું કરી દેવામાં આવે છે અને લોકો તે જોઇને હસે છે, ગમ્મત કરે છે અને અન્ય મિત્રો સાથે શેર પણ કરે છે. ગત સપ્ટેમ્બરથી આ પ્રકારનો એક તદ્દન નવો જ ટ્રેન્ડ ઉભો કરનાર પાંચ ભેજાબાજ યંગસ્ટર્સ હર્ષ કણસાગરા, કૌશલ ગજ્જર, વિવેક સંચેતી, હેમરત્ન ભીમાણી અને મિત ઠાકરનું આ એક ટીમવર્ક છે. જો બકાને માત્ર ફન માટે બનાવનાર આ પાંચ યંગસ્ટર્સ પૈકી કૌશલ, હર્ષ અને હેમરત્ન  મુંબઈની ટીસીએસ કંપનીમાં જોબ કરે છે, વિવેક પ્રાઈવેટ બિઝનેસ ચલાવે છે અને મિત BE-ITના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. જો બકા શબ્દના ગુજરાતી કલ્ચર સાથેના લગાવના કારણે તે આટલા મોટા પાયે વાઈરલ બન્યું છે. ગુજરાતમાં ટ્રાફિક પોલીસથી માંડીને ઘણી સરકારી અને ખાનગી જગ્યાઓએ પ્રજા સુધી એક સારા મેસેજને પહોચાડવા જો બકાનો ઉપયોગ શરુ થયો છે જે આજથી પહેલા ક્યારેય બન્યું નહોતું.

બકા, બકુડી અને ભૂરો એક જ પરિવારના સભ્યો..!!!
બહુ ઓછા લોકો જાણતા હશે કે જો બકા પરિવારના અન્ય સભ્યો જો બકુડી અને જો ભૂરાને  ઉભું કરવામાં પણ આ જ યંગસ્ટર્સની કમાલ છે.  કૌશલ કહે છે કે,'જો બકાએ ગુજરાતીઓના દિલ દેશ-વિદેશમાં જીત્યા છે ત્યારે અમે હવે રાષ્ટ્રીય સ્તરે લોકોના દિલ જીતવા હિન્દીમાં દેખ ભાઈ અને દેખ બહેનના મેમે બનાવી તેને ફરતા કરવાનું શરુ કર્યું છે. દેખ ભાઈને પણ જો બકા અને અન્ય કેરેક્ટર્સની જેમ હાઈ ડેફીનેશન ક્વોલિટી સાથે www.popo.pics/jobaka પર જનરેટ કરી શકાશે.'   હર્ષ કહે છે કે,'જો બકાએ મુંબઈ, અમદાવાદ, રાજકોટ, સુરત અને દિલ્હી સહિતના મોટા શહેરોનું ધ્યાન ખેંચતા જ અમે રાત્રે ૩ વાગ્યે જો બકાનું ફેસબુક પેજ બનાવ્યું હતું કારણકે જો બકા...તકલીફ તો રહેવાની મેમેના કારણે એક રાતમાં જ અમને ૮૫૦૦૦થી વધુ પેજ લાઈક્સ મળી હતી.'

આઈડિયા કેવી રીતે આવ્યો?
 વિવેક કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી અમે પિક્ચર્સ સાથે રમત કરી રહ્યા હતા. એક દિવસ રાત્રે કૌશલ જયારે હર્ષને 'જો બકા એ જો' અને 'ઓલું જો' કહી ચીડવતો હતો ત્યારે હર્ષ કાઠિયાવાડથી હોવાના કારણે તેને આ 'બકા' શબ્દ પસંદ ન્હોતો પડતો કારણકે તેને કાઠિયાવાડમાં બોલાતા શબ્દ 'ભૂરા' સાંભળવાની ટેવ હતી. તો તેને ચીડવવા માટે બાકીના મિત્રોએ ફેસબુક પર જો બકા HD પેજ બનાવ્યું અને નજીકના થોડા મિત્રોને ટેગ કર્યા. દરેક મિત્રોને આ પસંદ આવ્યું અને ફેસબુક પેજ લોન્ચ કર્યાના ૨૦ કલાકમાં જ આ પ્રકારના મેમેની સોશ્યલ મિડીયા પર માંગ વધી ગઈ. જેના કારણે અમે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ  મેમે  જનરેટર બનાવ્યું. ધીમે-ધીમે જો બકા વાઈરલ બન્યું અને અમે ૪૮ કલાકમાં જ ૮૫,૦૦૦ જેટલી પેજ લાઈક્સ મેળવી લીધી. અત્યાર સુધીમાં જો બકાના ૪ લાખથી વધારે મેમે જનરેટ થઇ ચુક્યા છે.

બકા, બકુડી અને ભુરાના  વન લાઈનર મેસેજ..

      જો બકા...આપણે તો સુતરી બોમ્બ જ ફોડીએ
     જો બકા...દિવાળી આવી રંગોળી તો કરવી જ પડે    
     જો બકા...નખરા તો સહન કરવા જ પડશે
     જો બકુડી...બકો છેને ટેન્શન નહિ લેવાનું
     જો બકુડી...દાંડિયા તો બકા સાથે જ રમીશ
     જો ભૂરા...જમવા સાથે છાસ તો જોઈએ જ
     જો ભૂરા...ગાંઠીયા તો રાજકોટના જ ખાવાના
     જો ભૂરા...આખો'દી ઓનલાઈન નહિ રહેવાનું

0 comments:

Post a Comment

GIVE A COMMENT