Thursday, 23 October 2014

દિવાળીના આગલા દિવસે ખરીદી માટે બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી

મંદી, મોંઘવારી અને બેકારી ભૂલીને લોકોએ મનમૂકીને બજારમાં ખરીદી કરી


આણંદ,તા.૨૨
આણંદ જિલ્લાના વિવિધ તાલુકા મથકના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બજારોમાં ખરીદી અર્થે માનવમહેરામણ ઉમટયુ છે. છેલ્લા ઘણાં વખતથી મંદી, મોંઘવારી અને બેકારી જેવા સળગતા પ્રશ્નોની આખુ વર્ષ ચિંતા કર્યા બાદ હવે લોકોએ ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવાનું જ માન્ય રાખ્યુ હોય તેવો માહોલ બજારોમાં સર્જાય છે. વર્ષમાં એક વખત આવતી દિવાળીની ઉજવણી કરવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. હાલ ફટાકડા, કપડા, ગૃહસુશોભનની ચીજવસ્તુઓ, ચોકલેટ, બુટ-ચપલ અને ગીફ્ટ આઈટમોની દુકાનો ઉપર ભારે ભીડ જામે છે.
ગ્રાહકોને આકર્ષવા કેટલાક વેપારીઓએ પોતાની દુકાનને વિવિધ રોશનીથી શણગારેલ હોવાથી રાત્રિના સમયે આકર્ષક નજારો જોવા મળે છે. દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારીની અસરને લીધે કેટલાક લોકોએ ખરીદીમાં ચોક્કસ કાપ મૂક્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
કોઈપણ ઉત્સવની ઉજવણી કરવા શોખીનોને મંદીની અસર નડતી ન હોવાનો ઘાટ બજારમાં સર્જાયો છે. લોકો પોતાની યથાશક્તિ મુજબ ખરીદી કરવા લાગ્યા છે.
હાલ ધીરે-ધીરે બજારમાં ઘરાકી જામતા વેપારીઓએ રાહતનો દમ લીધો છે.
પર્વ ટાણે ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓ દ્રારા ડીસ્કાઉન્ટ સ્કીમ, એક્ષ્ચેન્જ ઓફર અને ગીફ્ટ આઈટમો અંગેની યોજનાઓ મુકવામાં આવી છે. જો કે કેટલીક કંપનીઓ અને મીલોના માલિકો દ્રારા કર્મચારીઓને પગાર અને દિવાળી બોનસ અપાતાની સાથે હજુ બજારમાં વધુ ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
શહેરના સુપરમાર્કેટ, સ્ટેશન રોડ, ગંજ બજાર, ટૂંકી ગલી, ગામડીવડ સહિત ટાઉનહોલ વિસ્તારમાં ઠંડો પહોર થતાંની સાથે જ લોકોની ભારે ભીડ જોવા મળે છે. ખરીદી અર્થે આવેલા ગ્રાહક જયશ્રીબેને જણાવ્યું હતું કે દિપાવલીનો પર્વ વર્ષમાં એક જ વખત આવતો હોવાથી તેની ઉજવણી શક્તિ મુજબ કરવી જ જોઈએ.
ચાલુ સાલે વધેલ મોંઘવારીને લીધે ખરીદીમાં ચોક્કસ કાપ મુકવાની ફરજ પડી છે.
મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યુ હોવાથી હવે દિવાળી પૈસાદાર લોકોની જ બની રહી હોય તેવો ઘાટ ગરીબ લોકો માટે સર્જાયો છે. તેમ છતાં ગરીબથી લઈ શ્રીમંત લોકો પોતાની રીતે ઉત્સવની ઉજવણી કરી તેની મજા માણવાનું ચુકતા નથી.

0 comments:

Post a Comment

GIVE A COMMENT