Friday, 24 October 2014

રાજકોટમાં નજીવા કારણસર લડી પડ્યા બે જૂથઃ પાંચ વ્યક્તિ ઘાયલ



રાજકોટ, 24 ઓક્ટોબર

દિવાળીના તહેવારોને લોકો શાંતિપૂર્ણ પસાર કરે તે માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે તેમ છતાં ક્યાંકના ક્યાંક અશાંતિનો માહોલ ઊભો થતો હોય છે. રાજકોટના ચુનારવાડા ચોકમાં કોઇ કારણોસર બે જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેને મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બે જૂથોના લોકો રસ્તા ઉપર સામ સામે આવી ગયા હતા મામલો એટલી હદસુધી ગરમ થયો હતો કે ઉશ્કેરાયેલા એક જૂથના ટોળાએ આ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત ટોળાએ એક બાઇકને આગ લગાડી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા હતા. ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ આવતા જ બંને જૂથ શાંત પડી ગયા હતા અને સંપૂર્ણ મામલો થાળે પડ્યો હતો. પોલીસે સંપૂર્ણ ઘટનાને કાબુમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે, મારામારીની આ ઘટના બાદ આ વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ છવાઇ ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં બીજી કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસને હજી સુધી અથડામણનું કોઇ નક્કર કારણ જાણવા મળ્યું નથી

0 comments:

Post a Comment

GIVE A COMMENT