Thursday, 23 October 2014

જોખમી ચાઈનીઝ ફટાકડાનું ખુલ્લેઆમ વેચાણ


સુરત, તા. ૨૨
  • છોટા ભીમ અને એર પિસ્તલ અત્યંત જોખમી હોવા છતાં ચલણ
  • વરાછાના ત્રણ વેપારીઓએ દિલ્હીથી સુરત કરોડોના ફટાકડા ઠાલવ્યા
શહેરમાં દિવાળીની ઉજવણીમાં ફટાકડાં ધૂમ મચાવી રહ્યા છે પરંતુ આ ધૂમ વચ્ચે ચાઈનાના સસ્તા અને જોખમી ફટાકડાં પણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા હોવાની બૂમ ઊઠી છે. બાળકોમાં અત્યંત પ્રિય એવા કાર્ટૂન છોટા ભીમ અને નાનકડી માંડ ચાળીસ ગ્રામ વજનની એક એર પિસ્તલ અત્યંત જોખમી પુરવાર થાય એમ છે છતાં સુરતમાં ચોરેને ચૌટે તમામ સ્થળોએ આ ચાઈનીઝ ફટાકડાઓનું વેચાણ ચાલી રહ્યું છે. જાણવા મળ્યા મુજબ વરાછા રોડના ત્રણ મોટા વેપારીઓએ દિલ્હીથી કરોડોના આ સ્મલિંગના ફટાકડા મંગાવ્યા છે અને તેને આખા શહેરમાં વેચાણ માટે ફરતા કર્યા છે. મહત્ત્વનું છે કે, કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પોલિસી અને પ્રમોશન દ્વારા આ ફટાકડાના ભારતમાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આમ છતાં તેનું વેચાણ પોલીસની નજર સામે ચાલી રહ્યું હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવી રહ્યા નથી. ખાસ કરીને એર પિસ્તલ હાથ ઊંચો કરીને આકાશ તરફ ફોડવાની હોય છે પરંતુ તેની ફટાકડાની ગનમાં વપરાતા હલકી કક્ષાના અને સસ્તા પોટેશિયમ ક્લોરેટને કારણે તે તુરંત અને હાથમાં જ ફૂટી જવાની શક્યતા રહે છે. સાથે જ બાળકો મસ્તીમાં હાથ ઉપર કરવાને બદલે સામ સામે ફોંડે તો છાતી અથવા મોંઢા ઉપર જ તેનું નિશાન સામેવાળા બાળકને ગંભીર રીતે દઝાડી શકે છે.
આ ઉપરાંત ચીનના ફટકાડાની અન્ય આઈટમોમાં ચીનના પોપ અપની પણ ભારે ડિમાન્ડ ઊઠી છે. ભૂતકાળના શિવકાશીના ભીત બોમ્બ અને લસણિયાની સ્ટાઈલના આ નાનકડાં ચણા જેટલા ફટાકડા જમીન ઉપર ફેંકતાની સાથે જ ફૂટે છે. આ પોપ અપ પણ કોઈ બાળકના પગ પાસે ફૂટે તો તેને દાઝી જવાનો ભય રહે છે, જ્યારે ચાઈના ચક્કર, ચીટપુટ, કેન્ડલ સેવન અને ટેન, ઉપરાંત પચીસ અને પચાસ શોટ પણ ઉમેરાયા છે.
 
  • ચાઈનીઝ ફટાકડા તરત ફૂટી જાય છે
ચીન દ્વારા ફટાકડાની બનાવટમાં પોટેશિયમ કલોરેટને કારણે તે દીવાસળી કે અગરબત્તી લાગતાની સાથે તરત ફૂટે છે, જેને કારણે બાળકે ખોટી રીતે ફટાકડો પકડયો હોય તો તેના હાથ કે મોંઢા ઉપર જ ફુટવાનો અને તે ગંભીર રીતે દાઝી જવાનો ભય રહે છે. મહત્ત્વનું છે કે, આ પોટેશિયમ ક્લોરેટ પચાસ રૃપિયે કિલો મળે છે જ્યારે ભારતમાં ફટાકડાની બનાવટમાં વપરાતા એલ્યુમિનિયમ પાવડર પ્રતિ કિલો ત્રણસો રૃપિયાના ભાવે મળે છે. આ રીતે ચીનના ફટાકડા સસ્તા હોવા છતાં અત્યંત જોખમી છે.
 
  • લાઈસન્સ બ્રાન્ચમાં માત્ર ચાર કર્મચારીઓ

સુરત પોલીસની લાઈસન્સ બ્રાન્ચ દ્વારા ફટાકડા માટેના લાઈસન્સ અપાય છેપરંતુ આ લાઈસન્સ આપવા માટેની ઓફિસમાં જ રોકડા ચાર કર્મચારીઓ છે. અને તેઓ દિવાળી સુધી લાઈસન્સ આપવાની જ કામગીરી કરે છે. આ સંજોગોમાં અપાયેલા લાઈસન્સ બાદ ચકાસણી કરવાની તેમની પાસે પણ ફૂરસદ રહેતી નથી. વળીપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ માત્ર એનઓસી અપાય છે એ સિવાય આ તંત્રની કામગીરી રહેતી નથી. આમ ચીનના ફટાકડા ફૂટપાઠથી માંડીને મોટા ભાગની દુકાનોમાં ખુલ્લેઆમ વેચાતા હોવા છતાં તેની ઉપર નિયંત્રણ મુકનાર કોઈ અસરકારક સિસ્ટમનો અભાવ વર્તાઈ રહ્યો છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT