બીભત્સ ફોટો પર કોમેન્ટ-લાઇક કરનારા સામે ગુનો
જમીનના ઝઘડાની અદાવતમાં બીભત્સ કોમેન્ટ કરાતાં ફોટો શેર કરનાર સહિત ચાર ભેરવાયા
સોશિયલ મીડિયા પર મનફાવે તેમ કોમેન્ટ કરતાં પહેલાં સાચવજો
સુરત: ઉધનાના એક રહીશના મિત્રએ ફેસબુક પર અપલોડ કરેલા ફોટો નીચે બીભત્સ કોમેન્ટ કરતાં ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જમીન બાબતે ઝઘડો ચાલતો હોઈ તેની અદાવતમાં બીભત્સ કોમેન્ટ કરાતાં ઉધનાના રહીશે કોમેન્ટ કરનાર તેમજ ફોટાને લાઇક અને શેર કરનાર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતાં ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉધના જીવન જ્યોતની પાછળ અમન સોસાયટી ખાતે રહેતા અમીનસાહબ સરફુલ્લા સૈયદ ટેક્સટાઇલ માર્કેટમાં યાર્નનું કામકાજ કરે છે. અમીનને હાલ તેમના ભત્રીજા અનીસ હુસેન સૈયદ (રહે પુષ્પાનગર ઉધના)સાથે જમીન બાબતે ઝઘડો ચાલે છે. દરમિયાન ગત તા.4-7-14ના રોજ અમીનના મિત્ર ઈરફાન અન્સારીએ તેમના મોબાઇલ ફોનથી અમીનનો ફોટો પાડી ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ ફોટો જોઈ અમીનના ભત્રીજા અનીસ હુસેન સૈયદ, અઝહર સૈયદ અને ઈમરાન ખાનએ ફોટોની નીચે બીભત્સ કોમેન્ટ કરી હતી અને મુફિસ રાણાએ કોમેન્ટને લાઇક કરી હતી. આ વાતની જાણ અમીનને થતાં તેમણે ઉધના પોલીસ મથકમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી. અમીનની ફરિયાદના આધારે ઉધના પોલીસે આઈટી એક્ટ મુજબ ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ આજકાલ જીવન સાથે વણાયેલી માનવામાં આવે છે. કેટલાંક અરબ દેશોમાં આ માધ્યમથી ઐતિહાસિક ક્રાંતી પણ સર્જાઈ હતી. ત્યારે તેના પર જવાબદારી પૂર્વક વર્તવું જરૂરી બને છે.

0 comments:
Post a Comment
GIVE A COMMENT