Friday, 24 October 2014

વાપીના આ સમાચાર વાંચીને શરમથી ઝુકી જશે આંખો



વાપી, 23 ઓક્ટોબર

તાજેતરમાં વિશ્વનાં પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝીને દુનિયાભરનાં સૌથી પ્રદૂષિત નગરોમાં વાપીન ચોથો ક્રમ આપતા ફરી એકવાર વાપીમાં બધુ સમુસૂતરુ હોવાનો દાવો કરનારાઓની વાતનો છેદ ઉડી જતો જણાયો છે. સીપીસીબી અને આઇઆઇટીનાં સર્વે અનુસાર તૈયાર કરાયેલા કોમ્પ્રીહેન્સીવ એન્વાયરમેન્ટલ પોલ્યુશન ઇન્ડેકસ મુજબ વાપીને સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં પ્રથમ ક્રમે અપાયેલો છે.

એમાંય હવાનાં પ્રદૂષણમાં વાપીને દેશભરમાં અગ્રતાક્રમે દર્શાવાયેલુ છે. પરંતુ વાપીનાં ઔદ્યોગિક પ્રદૂષણનાં મામલે સીપીસીબીએ વાપીને ક્રીટીકલી પોલ્યુટેડ એરિયા તરીકે ઘોષિત કરીને જાણે સંતોષ માની લીધેલો છે અને કોઈ પ્રકારનાં કરેકટીવ એટલે કે સુધારાવાદી પગલાં લેવામાં ઉદાસિનતા દાખવેલી છે.

ફોર્બ્સ મેગેઝીનનાં ઘટસ્ફોટ બાદ વાપી ફરીવાર વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યુ છે અને આ અનુસંધાને અમેરિકાનાં સૌથી વધુ વેચાતા દૈનિક અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સનાં દિલ્હી સ્થિત બે પ્રતિનિધીઓ હાલમાં બે દિવસની વાપીની મુલાકાતે હતા. આ પત્રકારોએ પોતાની રીતે સ્થિતિનો ચિતાર મેળવ્યા બાદ વાપી વેસ્ટ એન્ડ એફલ્યુઅન્ટ મેનેજમેન્ટ કંપનીનાં જવાબદારો સાથએ બુધવારે મુલાકાત પણ કરી હતી.

વાપીનાં હવા, પાણી અને ઘનકચરાનાં ઔદ્યોગિક પ્રદૂષણનાં મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વાપી વેસ્ટ મેનેજમેન્ટ કંપનીની શાહમૃગી નીતિ જાણીતી છે અને પરિસ્થિતિની સુધારણા માટે કોઇ તત્પર નથી એ વારંવાર પ્રસ્થાપિત થયેલુ છે. હવે વૈશ્વિક સ્તરે સોથી પ્રદૂષિત વિસ્તારોની યાદીમાં વાપીનાં સમાવેશ પછી જવાબદારોની માનસિકતામાં બદલાવ આવે છે કે કેમ એ નિહાળવાનું રહેશે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT