Thursday, 23 October 2014

કમાઉ દીકરો આડેપાટે? કરોડો કમાવી આપતી ચેકપોસ્ટ પર CMના ‘દરોડા’



વર્ષે 70 કરોડ કમાવી આપતી ભીલાડ ચેકપોસ્ટ  પર CMના ‘દરોડા’થી ખળભડાટ
મુખ્યમંત્રીએ નિરિક્ષણ કરતા કેટલીક ગેરરીતીઓ જણાઇ આવી
હવેથી દરરોજનો ડેટા ગાંઘીનગર મોકલવાનો આનંદીબેનનો આદેશ

ભીલાડ: રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતા ભીલાડ ચેકપોસ્ટ પર અચાનક મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ‘દરોડા’થી સોમવારે ખળભળાટ મચી ગયો હતો.તેમણે ચેકપોસ્ટની તપાસ કર્યા બાદ કહ્યું હતું કે કેટલીક ગેરરીતિઓ જણાઇ આવી છે. ચેકપોસ્ટ પર કોઇ ગેરરીતિ ન થાય તે માટે હવે રોજે રોજ ગાંધીનગર ડેટા મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ કામ ૨૭ ઓક્ટોબર સુધી શરૂ કરી દેવાની વાત પણ તેમણે કરી હતી.સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે નેશનલ હાઇવે નંબર ૮ પર આવેલા ભીલાડ ચેકપોસ્ટ પર સામાન્ય દિવસોની જેમ જ કામકાજ ચાલતું હતું ત્યારે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનો કાફલો અચાનક આવી ચઢતા ‘દિવાળીના કામ’માં પડેલા અધિકારીઓ હાંફળા-ફાફળા થઇ ગયા હતા.
આનંદીબેને સૌપ્રથમ ચેકપોસ્ટની આજુબાજુ સફાઇનું  નિરીક્ષણ કરીને તરત જ ગંદકી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે ત્યાં ચાલતા સીસીટીવી કેમેરા, કમ્પ્યૂટર્સ, સ્ટાફ  વિગેરેની ઝીણામાં ઝીણી જાણકારી મેળવી હતી. તેમને જવાબ આપતા આપતા અધિકારીઓને જાણે પરસેવો આવી જતો હતો. લગભગ અડધો કલાક સુધી તેમની મુલાકાત ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સફાઇ, સીસીટીવી બંધ હોવા અને વાહનચાલકોને પડતી મુશ્કેલી અંગે તેમણે અધિકારીઓને ખખડાવ્યા હતા. તેમની સાથે કલેક્ટર  વિક્રાંત પાંડે પણ જોડાયા હતા.
લગભગ અડધા કલાકની મુલાકાત પછી બહાર આવીને મુખ્યમંત્રીના ચહેરા પર નારાજગી દેખાતી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ચેકપોસ્ટ પર કેટલીક ગેરરીતિઓ જણાઇ આવી છે. સીસીટીવી ચાલતા નથી. તેને લઇને કેટલાક ત્વરીત પગલા લેવાની જરૂર છે.તેમણે કહ્યું કે હવેથી દરરોજ ચેકપોસ્ટનો રીપોર્ટ ગાંધીનગર મળી જાય તેવી વ્યવસ્થા ટૂંક જ સમયમાં ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત નવા કમ્પ્યૂટર્સ  અને સ્ટાફની જે ઘટ છે તે પણ પૂરી કરવાની વાત કહી હતી. તે પછી તેમણે વનવિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. ત્યાર પછી સેલવાસ જવા માટે રવાના થયા હતા જ્યાં તેઓ એક ખાનગી રીસોર્ટમાં ગયા હતા.

0 comments:

Post a Comment

GIVE A COMMENT